હું ઈચ્છુ કે હું તારા જીવનની ડાયરી બનુ…
તું જે ઈચ્છે ,તું જે અનુભવે,તે લખે મુજ પર…
ના કોઈ ડર,ના કોઈ આશંકા, નિખાલસપણે….
પૂર્ણ વિશ્વાસથી, વર્ણવે તુજ મનોભાવો ને…. હું ઈચ્છુ કે..
તું ના કહે તો હું સલાહ પણ ન આપું , ને…
આપું તો માનવું જરૂરી પણ નહીં….
બસ તું વ્યકત થઈ શકે, સમાય શકે ,મુજમાં…હું ઈચ્છુ કે…
હું ના રિસાવુ તારા કોઇ વ્યક્તિત્વ થી…
ના ગુસ્સે થાઉ તારા કોઈ વ્યવહાર થી….
બસ ભળી જાઉં તુજ માં તું જ બની… હું ઈચ્છુ કે….
તુ સાચવે મને, સંભાળે મને, કે પછી….
કદીક સંતાડે મને…. તારી મરજી….
હું શાંત ચિત્તે સ્વિકારું તારી હર વાત ને…
હું સમજુ તને, હું સાચવું તારા પડછાયાને….
તું કહે એ રીતે હું વ્યકત કરું તને… હું ઈચ્છું કે…
તારા જીવનના સારા માઠા દરેક પ્રસંગોને…
તારા દિલની વ્યકત, અવ્યક્ત લાગણી ઓને….
તારી ભુલોને,તારી શાબાસીને,તારા હુનર ને….
છુપાવું હું, સજાવું હું, અભિવ્યક્ત કરું હું…. હું ઇચ્છું કે….
દુનિયાની ભીડમાંજો તને એકલું લાગે….
જીવન સફરમાં જો કદીક સંઘર્ષ લાગે…..
અગર થાય જો કયારેક રડવાનું મન….
હું તારા દુઃખમાં સહભાગી, સહારો બનું….
તારી એકલતા ખીલવતો હમસફર બનું…
દિન રાત નો સાથી,સથવારો,તારો સ્વીકાર બનું….હું ઈચ્છું કે….
શર્મિષ્ઠા.’શબ્દકલરવ’.