અછંદાસ કાવ્ય..
“કપાસિયુ”
ધરતીના પેટાળમાં પડેલું,
એક નાનકડું બીજ… કપાસિયુ…
થોડીક પાણીની બુંદોના સહવાસે
એનું અંતરમન હિલોળે ચડ્યું.
એને ઝંખના જાગી,સેવાની.
માનવીને ઉપયોગી થવાની.
ધરતી ની છાતી ફાડી,
એ તો ઉગી નીકળ્યું..
દિવસેને દિવસે વધતું ગયું.
એની ડાળીએ ડાળીએ લહેરાયા ફૂલો.
ફાલ્યું કપાસ રૂ બનીને.
તદ્દન બેરંગ સફેદ,
પણ દિલથી..
એક સ્ત્રીની રુઝુતા જેવું..
મુલાયમ મુલાયમ.
પોતાની અંદર દરેક રંગોને,
સમાવવાની તાકાત લઈને..
પછી તો..લહેરાયુ, ચૂંટાયુ, કંતાયુ,
પીંજાયુ, વણાયુ, રંગાયુ, સિવાયુ…
એ તો મંડી જ પડ્યું, માનવીની મદદમાં.
એના શરીરને ઢાંકવા, સજાવવા,
શણગારવા, વિસામો આપવા…
છેલ્લે નકામું થયું ત્યારેય…
મહોતું બનીને ઘસી નાખી જાતને..
એ કપાસિયાએ !
એક સ્ત્રી જેમ પરીવાર માટે,
ઘસાયને એમ જ.
ધરતીના પેટાળમાં ધરબાયેલુ…
એક નાનકડું બીજ…કપાસિયુ..
-શર્મિષ્ઠા.”શબ્દકલરવ”