થાય છે પ્રતિતી હજી કે,
તું મારી સમીપે છે.
પણ કોને કહું ?
અને કહું તો કોણ માનશે ?
મન તો કહે છે કે નારી માટે,
આ સતયુગ, દ્વાપરયુગ
ત્રેતાયુગ કળિયુગ..
બધાયે યુગ સરખા જ.
દ્રૌપદી રાધા સીતા દમયંતી,
અને અત્યારે પણ કેટલીયે નારી
અસહાય, અબળા.
ક્યારેક આવે છે તું
એક તારને તાંતણે.
ક્યારેક પિંખાઈ માળો,
એક ડાળને આશરે.
ત્યારે થાય કે, કોને કહું ?
આ ફરિયાદ દિલની.
કેમ માનું કે, તું સાંભળતો નથી ?
પણ વળી ક્યારેક થાય પ્રત્યક્ષ
એક ભીની કુંપળનું પ્રાગટ્ય.
ને ખુશનુમા ઘડીનું અવતરણ
ક્યારેક ભરાઈ છે દ્રૌપદીનું અક્ષયપાત્ર,
શીલા બને અહલ્યા.
ને ત્યારે થાય છે કે,
હા તું હજીયે છે.
સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગની જેમ
આ કળિયુગમાં પણ કશેક.
ચાલ કહી દઉં સૌને,
મારી જેમ કેટલાયે માનશે !
કે તું હજી પણ છે જ,
અહીં જ કશેક, સમીપે સમીપે !
– શર્મિષ્ઠા. “શબ્દકલરવ”
– સુરત.