#gujarati #girupurnima #guru #indiansanskruti

ગુરુ પૂર્ણિમા : જ્ઞાનના પ્રકાશપુંજનુ પર્વ.

આજના દિવસે ભગવાન શ્રી ઋષિ વેદવ્યાસજીનું એક દ્વીપ ઉપર અવતરણ થયું હતું. ગુરુ વેદ વ્યાસે જ્ઞાન-પ્રકાશના પ્રચાર, પ્રસાર અર્થે વેદ(જ્ઞાન)નું ચાર ભાગોમાં વર્ગીકરણ કર્યું હતું. તેથી એમને ગુરુના નામથી સંબોધિત કરવામાં આવે છે.
આપણી સંસ્કૃતિમાં ગુરૂ-શિષ્ય સંબંધ ને સર્વશ્રેષ્ઠ અને દિવ્ય સંબંધ તરીકે જોવામાં આવે છે. માતા-પિતા દ્વારા જેમ આ નાશવંત કાયાનો જન્મ થાય છે તેમ ગુરુદ્વારા એને સંસ્કારીત અને સુયોગ્ય દિશા ધ્વારા અર્થપૂર્ણ જીવન પ્રાપ્ત થાય છે. ગુરુનો મહિમા અનન્ય છે. ગુરુને પૃથ્વી પરના સાક્ષાત બ્રહ્મ તરીકે માનવામાં આવે છે.
વેદોનું જ્ઞાન સૌથી મહત્વપૂર્ણ જ્ઞાન છે. જે અંતહીન અને સીમાહીન છે. એને મેળવવા પ્રયાસ અને પુરુષાર્થની સાથે સાથે ગુરુકૃપા પણ એટલે જ અનિવાર્ય છે. એક સાચા ગુરુ જ આપણને મૃત્યુથી મોક્ષ તરફ લઈ જાય છે.
ગુરુ જ્ઞાન શક્તિ સ્નેહ અને કરુણા માયાનો અકથ્ય સ્ત્રોત હોય છે. એ આપણી ચેતનાને જાગ્રત કરી યોગ્ય દિશામાં વાળે છે. આપણા નિમ્નકક્ષાના વિચારો- વહેવારોને ઊર્ધ્વગમન કરાવે છે. સારા ગુરૂ ની નિશ્રામાં જડ અને પથ્થર સમાન વ્યક્તિ પણ પારસ બની શકે છે. આમ તો આપણું શરીર પંચતત્વ નું બનેલું છે પરંતુ તેમાં પરમાત્મા ચેતના પણ હોયજ છે. જે સામાન્ય રીતે સુષુપ્ત અવસ્થામાં હોય છે. એ ચેતના જગાવવાનું ભગીરથ કાર્ય ગુરુ ખૂબ સહજતાથી કરે છે.
ગુરુ બાહ્ય કરતા અંદરથી વધુ દેદીપ્યમાન હોય છે. તેમની અંદર રહેલી બ્રહ્મ ચેતનાથી શિષ્યની પાર્થિવ ચેતનાનું જ્ઞાન અને સંસ્કારમાં રૂપાંતર થાય છે.
સંસારની યાત્રા જ્યારે દુષ્કર બને, સંઘર્ષયુક્ત બને, પ્રતિપળ જ્યારે કસોટીઓ થતી રહે, ત્યારે શક્ય છે કે વ્યક્તિ ભટકી જાય. સાચા ગુરુની દોરવણીથી તે વખતે મનુષ્યની આ યાત્રા સહજ અને કષ્ટરહિત બની રહે છે. સાચો ગુરુ આપણાં મન અને બુદ્ધિનુ સાયુજ્ય સ્થાપી યોગ્ય દિશામાં વાળી લે છે.
ગુરુકૃપાનો સરળ અને સહજ રસ્તો પોતાના સ્વાર્થ, અહંકારનો ત્યાગ કરી વિશ્વાસ પૂર્ણ સમર્પણભાવ. એના વિના આપણામાં ઉચ્ચ શિષ્યત્વ કેળવવું ઘણું મુશ્કેલ છે. સાચો ગુરુ ભૌતિક ભેટ-સૌગાત નહીં પરંતુ આપણી સંસ્કારીક મલિનતાનો ત્યાગ ઈચ્છે છે. ગુરુ નો મહિમા અનન્ય છે. પ્રભુ કે મોક્ષ ને આપણે જાણતા નથી પરંતુ ગુરુકૃપાથી તેને મેળવવુ સહજ બને છે. તેથી જ કદાચ ગુરુ નાનકે પોતાના મંદિરોને પણ ગુરુદ્વારાનું નામ આપી ગુરુ મહિમાનું અનન્ય સ્થાન પ્રસ્થાપિત કર્યું છે.
– શર્મિષ્ઠા.”શબ્દકલરવ”
– સુરત.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s