તું મને વરસાદમાં બોલાવ ના.
સ્નેહ ઝરણે એ પછી ભીંજાવ ના
આજ દિલ મદહોશ ને ચકચૂર છે
તું નજરથી વીજળી ચમકાવ ના.
હું હરખથી દોડતાં ભેટી પડું,
એમ હેલી થઇ મને લલચાવ ના.
તરબતર થાઉં મધુરા પાશમાં,
ત્યાં જ તું ઘેલો કહી શરમાવ ના.
મેઘ વરસે ભાવનાં સુર-તાલમાં,
લય સરીખું જા ભળી તરડાવ ના.
જળ વરસતાં વાદળે તરસ્યો મરું ?
તું હ્રદયથી શુષ્ક થઇ તડપાવ ના.
કૈંક શમણાં છે અષાઢી રાતનાં,
નૈન અનરાધાર થઇ તરસાવ ના.
-શર્મિષ્ઠા. કોન્ટ્રાક્ટર