શરદ પૂનમનો ગરબો :
~~~~~~~~~~~~~
આવી શરદ પૂનમની રાત..
રાત રઢિયાળી લાગે.
ખીલ્યો સોળે કળાએ ચાંદ…
ચાંદની પ્યારી લાગે.
લહેરાતુ મોરપીંછ, લહેરાતી ઓઢણી
કૃષ્ણ થયાં છે રાત રાધા થઈ ચાંદની.
તારલાથી છલ્લોછલ છાબ..
છાબ નવરંગી લાગે.
ખીલ્યો સોળે કળાએ ચાંદ…
ચાંદની પ્યારી લાગે.
અંતરના કણકણમાં ગરબાની રમઝટ.
અંગેઅંગ સોહી રહ્યા લથબથ લથબથ.
આંખ ઈશારે કહેવાતી વાત
વાત સહિયારી લાગે.
ખીલ્યો સોળે કળાએ ચાંદ..
ચાંદની પ્યારી લાગે.
ઘેરાઈ રહ્યો છે નશો ચાંદનીના નૂરમાં.
મદમાતી કાયા ઝૂમે પ્રેમ કેરા સૂરમાં.
હરેક ગોપીની સંગે છે કાન..
કાન વરણાગી લાગે.
ખીલ્યો સોળે કળાએ ચાંદ..
ચાંદની પ્યારી લાગે.
આવી શરદ પૂનમની રાત..
રાત રઢિયાળી લાગે.
ખીલ્યો સોળે કળાએ ચાંદ…
ચાંદની પ્યારી લાગે.
~શર્મિષ્ઠા.”શબ્દકલરવ”
~સુરત.