ચાર ચાર ખાના હૃદયાનાં
એમાં ભર્યો સામાન ખીચોખીચ !
કેમ રે કરું હું સફાઈ !
ક્યાંક ક્યાંક સંઘર્યા સ્મરણો ને,
ક્યાંક સંગ્રહી અભિલાષા !
એકાદ ખૂણે મેં પ્રેમ સંઘર્યો
તો એકાદે ઘોર નિરાશા !
ક્યાંક હિલ્લોળે સ્નેહના દરિયા,
ક્યાંક ચિક્કાર ધિક્કાર !
વળી, માવતરનું સિંચેલું મોંઘેરું
ક્યાંક નગર બાળપણનું પ્યારું !
એક તે ખાને જુઓ લહેરાઈ બગીચા,
ને અંગે ઊઠે રે ઉમળકા !
ચાખ્યા-અણચાખ્યા બેસી પ્રેમને બાંકડે,
સ્નેહના રંગો ભરપૂર !
હાસ્ય-રુદન બે રહે સામસામે,
સુખ અને દુઃખના ત્રાજવે !
એક રે ખૂણો તો વળી ભર્યો પડ્યો છે,
ભૂલ-અફસોસ ને પસ્તાવે.
ચાહું બદલવા, પણ બદલી શકું ના હું,
જીવન તણા કંઈક પ્રકરણ !
ક્યાંક ખૂણામાં લપાયા કિસ્સા,
ઘમરોળે અપકારે, ઉપકારે !
ઓસરતા ભૂતકાળની મૂર્તિ ભાવવાહી,
ભાવિના સોણલાં નક્કોર @
સર્જનની હોડકી ને પ્રયાસ હલેસે.
હાંકે રે મનના તરંગ !
કહો કેમ રે કરું હું સફાઈ,
કે મારે નક્કામું નથી કશુંય.
દિવસને રાત બસ ઉભરાતો જાય,
મનનો અટૂલો એ ઓરડો !
કણ કણ સિંચે એ મારા અસ્તિત્વને..
કેમ રે કરું હું સફાઈ !
મારે નક્કામું નથી કશુંય.
-શર્મિષ્ઠા.”શબ્દકલરવ”.