છેટા પડીએ તો સખી આંખોને બારણે..
મધમધતા સપના ઉગાડીએ !
ચાલો વિરહને આમ રે ઉજવીએ !
આભાસી સ્નેહની મનગમતી લાગણી.
આસમાની આભની પ્રીત કેરી સાદગી.
બૂંદો ઝાકળની ફૂલડે શોભે એમ…
અશ્રુ તારલિયા સજાવીએ !
ચાલો વિરહને આમ રે ઉજવીએ !
તાણશું તો તૂટશે, જાણ છે એ વાતની
અટવાવતી,ગૂંચવાવતી, તકલાદી વાદની
નાનકડી, છાનકી ભેદભરી ગાંઠોને..
પ્રેમથી હળવેક ઉકેલીએ !
ચાલો વિરહને આમ રે ઉજવીએ !
બાંધતા બંધાય નહીં, તોડતા તોડાય નહીં.
લાગણીની દોર અહીં કોઈને દેખાય નહીં.
રાધા ને મીરાની પ્રીતકેરી રીતને..
તંતોતંત આત્મસાત કરીએ !
ચાલો વિરહને આમ રે ઉજવીએ !
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.
