આપ્યું એને માણ્યું નહિ તો માંગી માંગી કરવાનું શું ?
સુખ દુઃખ બન્ને સરખા પલડા નોખાં કરતાં જડવાનુ શું ?
મૃગજળ જેવી રાહ મળી છે, ડગલે ડગલે મંઝિલ ભાસે,
દોટ લગાવી ત્યાં ને ત્યાં ! તો, ભાગી ભાગી મળવાનું શું ?
ઝાંખા પાંખા નકશા લઇને, હાથે કેવળ રેખા લઇને,
ખરબચડા જો રસ્તા હો તો દેખી દેખી ડરવાનું શું ?
છાંયો ભાળી હરખાયા ‘તા ! ધગતી લૂ એ દાઝ્યા ‘તા ને ?
સંબંધોની એવી ગાથા ગાતાં ગાતાં રડવાનું શું ?
ઘટના બીના, કાવા દાવા ખેલ પુરાના છોડો ભઇલા,
હું, તું ની આ સંતાકુકડી અંદરખાને રમવાનું શું ?
અમરપટો ના કો’ની પાસે, સંગ્રહખોરી શાને કરવી ?
આખર પડશે શૂન્યે ગુણવું, વત્તા ઓછા ગણવાનું શું ?
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.
