નજરુંની નાવ કહો ક્યાં જઇને લાંગરુ..
શોણલા કિનારા બહુ.. દૂર.. દૂર..દૂર…
મીંચેલી પાંપણનુ મધમીઠું શમણું મને લઈ જાતું અજવાળી રાહે
આછાં અજવાસની દોરી ઝાલીને એય દોડતુંક મોરપીંછ વાહે
પળમાં નજદીક લઈ શ્વાસમાં સંકોરુ,
વળી પળમાં તો થઈ જાયે.. દૂર ..દૂર.. દૂર…
નજરુંની..
ઊગી ઊગીને હું મારામાં આથમુ લઈ સૂરજનાં ઊગિયાનો વ્હેમ,
મૌનભરી કેડીએ વલખતાં હૈયે મને સાદ સંભળાયો ના કેમ ?
અધવચ્ચે મઝધારે મુંઝાય મરું ને
મારો માણિગર.. દૂર.. દૂર.. દૂર….
નજરુંની..
માયાની માયામાં એક પછી એક સળ કાપુ કાપુ ને તોયે સળગે
ડગલે ને પગલે જકડે જંજાળ મને છોડું છોડું ને તોય વળગે
ભીતરની ભીતરમાં તોયે જાણે કોણ
મને કરતુ ઈશારા રહી.. દૂર.. દૂર.. દૂર…
નજરુંની..
નજરુંની નાવ કહો ક્યાં જઇને લાંગરુ..
શોણલા કિનારા બહુ.. દૂર.. દૂર..દૂર…
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

Beautiful.
LikeLiked by 1 person
Thank you so much…🌹🌹
LikeLike