આપે કે ન આપે તાલ સમયની રે ચાલ
રણકે કે ન રણકે આ તન મનનો રે ખ્યાલ..
ઉમંગ સજાવી એને લયમાં શેં હું ગાઉં ?
આ જીંદગીનું ગીત કહોને કેમ કરી હું ગાવું ?
દર્દીલા ગીતને પણ સૂરમાં તો આલાપો
પથરીલા રસ્તે થઈને મંઝિલ રે સિધાવો
ડગલે પગલે ન છૂટકાનું હસતા રે રહેવાનું !
આ જીંદગીનું ગીત કહોને કેમ કરી હું ગાવું ?
સુખ દુઃખની આ ચંત્યા કરતા જીવતા જીવતા.
પંપાળીને બેઠાં જુઓ અહમના અસ્તર સિવતા.
ઈશ્વરના દરબારે કહો શું પહેરીને હવે જાવું?
આ જીંદગીનું ગીત કહોને કેમ કરી હું ગાવું?
કે, મીરાં ને નરસૈયાના ભક્તિ ભેદ પિછાણો.
કાયા-માયા મોહ વિશેના અંત હવે તો આણો.
પળપળ પલકે જીવનદીપે આતમનુ અજવાળું.
હા, જીંદગીનું ગીત હવે તો એમ કરી હું ગાવું.
હા, જીંદગીનું ગીત હવે તો એમ કરી હું ગાવું.
-“શર્મિષ્ઠાશબ્દકવરવ”.
