હું
કલમની આંગળી પકડી,
સમયના લીસ્સા પહાડ પર,
બે લીટી વચ્ચેના ધોળાધફ વિસ્તારમાં
જાતને સંકોરી
વિસ્તરવા મથતો રહું છું.
રંગભરી આંખો ઠાલવી,
જીવતરના કાટમાળને
નવતર રીતે સજાવવાની
કોશિશમાં ને કોશિશમાં
શ્વાસના પાંદડાઓ ખેરવતો જાઉં છું.
પવનના સૂસવાટા વચ્ચે,
એ ખરેલા પાંદડાના
ખખડાટમાં શોધતો ફરું છું
કંઈક જીવનસત્વ જેવું…
ને
ભયાનક મૌનને તળિયે
ઘસાતી હથેળીના ઉઝરડામાં
પ્રાસના પ્રાણવાયુ ઘૂંટતાં,
ક્યાંક થોડો ઘણો
મળી જાઉં છું, હું મને!
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.
