માળાના મણકે તું કેમ કરી માપે કે, યાદ તને કેટલું કરું!
શ્વાસો ઉચ્છવાસોના કર તું સરવાળા હું યાદ તને એટલું કરું!
સપનાથી થનગનતી નજરોમાં સિંચ્યો મેં મહેકંતો મીઠો ધબકાર!
વાટ ભલે જોવડાવે, મરજી એ તારી; હું છોડું ના એકે અરમાન!
દિલની આ મૌસમને વાસંતી લહેરાવું; નામ તારું જેટલું જપું..
શ્વાસો ઉચ્છવાસોના કર તું સરવાળા; હું યાદ તને એટલું કરું!
ચાહતની વાત રહે ક્યાં સુધી ખાનગી? જગથી તે શાને છુપાવું ?
લળીલળીને એવી કરી છે પ્રીત મેં તો છડે ચોક ગાતી સંભળાવું.
વહેતી હવાઓમાં સ્પર્શ તારો પામું, હું રુંવે ને રુંવે તને એવું ઝંખું!
શ્વાસો ઉચ્છવાસોના કર તું સરવાળા; હું યાદ તને એટલું કરું!
ખારા આ જળને રે વિરહે તપાવી તેં, વાદળિયો બાંધ્યો છે નેહ.
વરસતા કરવો ના પાલવે વિલંબ મારે ઝરણું થઇ વહેવું છે શેષ.
ભરતી કે ઓટ આણે; ફર્ક નથી પડવાનો, લહેરાતી તુજમાં ભળુ.
શ્વાસો ઉચ્છવાસોના કર તું સરવાળા; હું યાદ તને એટલું કરું!
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.
