આખરી રસ્તે મને ના છળ હવે
તું જ છે આધાર આવી મળ હવે.
છળકપટ ને દાવપેચો ક્યાં સુધી ?
માનવી છે; માણસાઈ કળ હવે.
નસનસે ફૂટ્યા ઝરણ કંઇ સ્નેહના,
ખળભળે લ્યો રણ વચાળે જળ હવે.
સાવ ખોટ્ટી આશમાં બેસી રહ્યું
હે મુરખ મન તું તો બસ ટળવળ હવે.
છે સમય મોંઘી જણસ; વેડફ નહીં.
જાય ઘટતા શ્વાસ આ પળપળ હવે.
લ્યો, તમસ પળવારમાં હારી ગયું !
રોશની હરિ નામની ઝળહળ હવે.
ભક્તિ ભાવે પામશું ઈશ્વર શરણ.
પૂર્ણ છે શ્રદ્ધા નથી અટકળ હવે.
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.
