આંખના જળ તગતગે છે.
મૂક પ્રતિક્ષા ઝરમરે છે.
રેશમી પાલવ અડે જ્યાં,
એક ઈચ્છા ફરફરે છે.
આંગણું પરસાળ ઠેકી,
સ્વપ્ન તો આભે ઉડે છે,
હાથ ઝાલી, બાથ ભીડી,
દોસ્ત થઇ એ છળ કરે છે.
ચાલતો જા નેક રાહે,
તું પ્રવાસી આ જગે છે.
પૂણ્ય ના ખુટતા જ જુઓ
પાપ ઊભા આંગણે છે.
જ્યાં દિલે શ્રદ્ધા વસે છે.
જ્યોત પ્રેમળ ઝગમગે છે.
ભાવના નિર્મળ હશે તો,
ઢાલ ખુદ ઈશ્વર બને છે.
સત્ય ફૂંકે રણશિંગુ તો,
સારથી ક્રિષ્ના બને છે.
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.
