ઘણુંયે કહ્યું: બસ, મહજ થઈ ગયું છે.
સહેવું છતાંયે અરજ થઈ ગયું છે.
વધે દર્દનું દર્દ થઈ ચક્રવૃદ્ધી
પ્રણયમાં આ કેવું? કરજ થઈ ગયું છે.
જરા ઘાવ સમજીને પંપાળી બેઠા,
વધી ગઈ ખણજ એ ખરજ થઈ ગયું છે.
અમે હાંસિયે જ્યાં લખી દીધું સુખ છે.
પછી દુઃખનું પ્રકરણ દરજ થઈ ગયું છે
છે તાકાત આખર પ્રણયના નશામાં.
કઠિન જે હતું એ સહજ થઈ ગયું છે.
જરા સાતમા તારને રણઝણાવ્યો,
જગતનું દરદ લ્યો! તરજ થઈ ગયું છે.
ન શોધું હું ટોચે, ન ખૂંદુ તળેટી,
મળે છે જે ભીતર ગરજ થઈ ગયું છે.
હરખને હરખમાં ગરક થઈ ગયા ભૈ,
મધૂરું અમારું મરજ થઈ ગયું છે.
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.
