કંટકોની રાહ પર ચાલી શકે તો પ્રેમ કર.
સ્નેહ જ્યોતે જાત પ્રજવાળી શકે તો પ્રેમ કર.
પાંપણે ચમકી ઉઠે ઝાકળ બનીને દર્દ પણ,
ઢાળ ઊપર અશ્રુને ઠારી શકે તો પ્રેમ કર.
આપલેની છે ગણતરી દુન્યવી વહેવારમાં.
માપવા જોખ્યા વિના આપી શકે તો પ્રેમ કર.
છે શરીરી મોહથી કંઇ દિવ્યતમ ચાહત પ્રિયે.
રૂહથી જો રૂહને ચાહી શકે તો પ્રેમ કર!
એક બે જન્મો નહિ, જન્મોજનમની વાત છે.
જ્યાં સદાનું હો મિલન! આવી શકે તો પ્રેમ કર!
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.
