#gujaratipoetry #gazals

તું જરા ધ્યાનથી શોધ, જડશે જરુર.
આસપાસે જ એ ક્યાંક મળશે જરુર.

લ્યો ! નજરથી નજર આથડી છે ફરી,
કો’ક તણખે અગનજાળ ખરશે જરુર.

છે નિયમ, પોષતું એ જ તો મારતું.
ગર્વ તારો તને એમ દમશે જરુર.

એક બે દિન નહીં, ખેલ વરસોવરસ,
ખેલતો જા ! ખરા અંક પડશે જરુર.

જીત કે હાર, તું છોડને પરવા બધી ?
દુઃખ પછી સુખ, ચક્ર એમ ફરશે જરુર.

-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

#gujaratipoetry #geet

ભાઈ ! મોંઘો માનવ દેહ મળ્યો,
તું જાણી લે, પરમાણી લે !
ભાઈ ! શ્વાસોનો સથવારો મળ્યો,
મનભરીને માણી લે !

કાળી-ભમ્મર રાતો વચ્ચે જ, તારલીયા તો ટમકે છે.
ઘોર નિરાશા વચ્ચે જ ક્યાંક વીજળીઓ તો ચમકે છે.
આ રુદિયે તારે એમજ રૂડી કોયલિયા તો ટહુકે છે.
ભાઈ ! ધકધક કરતું રુદિયુ મળ્યું,
ધડકી લે તું ધડકી લે !
ભાઈ ! શ્વાસોનો સથવારો મળ્યો,
મનભરીને માણી લે !

છે રામનામનો પરચો એવો પથરા તરતા પાણીમાં.
ને શ્રદ્ધા કેરા દિપક પ્રગટે, જગમગ કરતાં આંધીમાં
હા, ખંતીલાના વહાણો તરતા સર સર કરતાં રેતીમાં
ભાઈ ! ઝઝૂમવાને મોકો મળ્યો,
ઝડપી લે તું ઝડપી લે !
ભાઈ ! શ્વાસોનો સથવારો મળ્યો,
મનભરીને માણી લે !

-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

#pietry #gujaratipoetry #gazals

કાળની ઝાપટ પછી તો ઊંઘવું ને જાગવું શું?
મૌત સરખી જિંદગીને જીવવું ને માણવું શું?

તું ભલે ચાલે ન ચાલે, ચાલતો રહેશે જમાનો,
સાથ સથવારા વિના તો થોભવું ને ચાલવું શું?

આંખ ખૂલે ને હકીકત રૂબરૂ થાશે ભલા ભૈ’,
સ્વપ્નની વણજાર પાછળ દોડવું ને હાંફવું શું?

જાળવી શક્યા નહીં મળ્યા સમયની આબરૂને,
પળ, ઘડી વીતે પછી તો નાથવું ને નાણવું શું ?

તીરને તાક્યા કરીશું ક્યાં લગી ખાલી હવામાં
જો નજરમાં લક્ષ્ય ના હો, તાકવું ને મારવું શું?

આમ રજવાડા સમા છે ઠાઠને ઠસ્સોય એના
ભીતરે કાયમ ગરીબી; આપવું ને માંગવું શું?

આ વિષય શ્રદ્ધા તણો છે બંદગી, દીવાનગીનો
હોય ના વિશ્વાસ તો તો પૂજવું ને ચાહવું ને શું?

-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

#gujarati #poetry #gazals

આપ્યું એને માણ્યું નહિ તો માગી માગી કરવાનું શું ?
સુખ દુઃખ બન્ને એકજ પલડે નોખાં કરતાં જડવાનુ શું ?

મૃગજળ જેવી રાહ મળી છે, ડગલે ડગલે મંઝિલ ભાસે,
દોટ લગાવી ત્યાં ને ત્યાં ! તો, ભાગી ભાગી મળવાનું શું?

ઝાંખા પાંખા નકશા લઇને, હાથે કેવળ રેખા લઇને,
ક્યાં જાવું’તુ, ક્યાં જઇ પ્હોચ્યા; થાકી હારી ડરવાનું શું?

છાંયો ભાળી હરખાયા’તા, ધગતી લૂ એ દાઝ્યા’તા ને..
સંબંધોની એવી ગાથા ગાતાં ગાતાં રડવાનું શું ?

અમરપટો ના કો’ની પાસે, સંગ્રહખોરી શાને કરવી ?
આખર પડશે શૂન્યે ગુણવું, વત્તા ઓછા ગણવાનું શું ?
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

#gujaratigeet #garba

ગરબો :
આવી રે આવી રે રૂડી નોરતા ની રાત,
નોરતા ની રાત…
ગરબે ઘૂમે છે માડી સખીઓ સંગાથ,
સખીઓ સંગાથ…

ગબ્બરનાં ગોખમાંને ચાચરનાં ચોકમાં.
ઝગમગતી હેલ સોહે નવલી નવરાતમાં.
હે….
સજી સોળ રે શણગાર ચાલે લહેરાતી ચાલ,
લહેરાતી ચાલ.
ગરબે ઘૂમે છે માડી સખીઓ સંગાથ….
સખીઓ સંગાથ…

ઝાંઝરિયા ઝમકે ને ટીલડીઓ ચમકે.
તાળીની તાલે રૂડી ઘૂઘરીઓ ઘમકે.
હે…..
માનો મોંઘો અસબાબ, માનો નોંખો રૂવાબ,
નોંખો રૂવાબ…
ગરબે ઘૂમે છે માડી સખીઓ સંગાથ,
સખીઓ સંગાથ…

ભક્તોની ભીડ ઊમટી ચાચરના ચોકમાં.
શ્રદ્ધા ભક્તિના પરચા ગબ્બરના ગોખમાં
હે…
સ્તુતિ કરે છે ભક્તો જોડીને હાથ,
જોડીને હાથ….
ગરબે ઘૂમે છે માડી સખીઓ સંગાથ,
સખીઓ સંગાથ….
~”શર્મિષ્ઠાશબ્દકલરવ”

#gujaratigazal #poetry

આંખના જળ તગતગે છે.
મૂક પ્રતિક્ષા ઝરમરે છે.

રેશમી પાલવ અડે જ્યાં,
એક ઈચ્છા ફરફરે છે.

આંગણું પરસાળ ઠેકી,
સ્વપ્ન તો આભે ઉડે છે,

હાથ ઝાલી, બાથ ભીડી,
દોસ્ત થઇ એ છળ કરે છે.

ચાલતો જા નેક રાહે,
તું પ્રવાસી આ જગે છે.

પૂણ્ય ના ખુટતા જ જુઓ
પાપ ઊભા આંગણે છે.

જ્યાં દિલે શ્રદ્ધા વસે છે.
જ્યોત પ્રેમળ ઝગમગે છે.

ભાવના નિર્મળ હશે તો,
ઢાલ ખુદ ઈશ્વર બને છે.

સત્ય ફૂંકે રણશિંગુ તો,
સારથી ક્રિષ્ના બને છે.
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

#gujaratigazal #poetry

સત્યને સ્વીકારવાની વાત છે આ.
કર્મ ખુદના તાગવાની વાત છે આ.

લક્ષ્ય રાખો સાવ સીધું ને સરળતમ,
પાપને પડકારવાની વાત છે આ.

ચાહવું એ પામવું હર કોઇ ઈચ્છે,
હારમાંથી શીખવાની વાત છે આ.

હું અને તું એક બનશે આપણાથી,
કે અહમ ઓગાળવાની વાત છે આ.

એમ ક્યાં આસાન છે સમજાવવું મન
લોભને ધમકાવવાની વાત છે આ.

જાણવું ખુદ જાતને છે આકરું પણ,,
જાતને જંઝોળવાની વાત છે આ.

શક્ય છે તકલીફ પડશે સૌ પ્રથમ પણ,
મૂલ્ય ઊંચા સ્થાપવાની વાત છે આ.

જે મળ્યું, જેવું મળ્યું, તારું જ છે એ,
ભાગ્યને અપનાવવાની વાત છે આ.

-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

#dreams

कुछ सपने तो पनपते ही है
कुछ सपनों की कब्र पर…
लिपटी हुई कई बेलें
यूहीं सूख जाती है, ओझप से
ओर हम उन्हें वार्निश लगाके
सजा रखते हे ड्राइंगरूम में
घर की सुंदरता के
पर्याय में

-“शर्मिष्ठाशब्दकलरव”

#tanhaiya #yaden

बस खाली खाली सा
वक्त ही वक्त है
जो लिखके-पढके भी
कटता नहीं हैं
यूं तो
भरी पडी है
यादों की गुल्लक
पर कितना भी हिलाओ
पहले सी मधुर
अब बजती नहीं है.
ओर रहेता है डर,
कहीं वह तूट जाएं तो..?
-“शर्मिष्ठाशब्दकलरव”