એક મુખડા પરથી અલગ અલગ ભાવ સાથે બે ગીતો:
1
મતવાળી ઘનઘોર ઘટાઓ લળી લળીને વરસે.
મનજી મારું તોય હજી કંઇ કોરું કોરું તરસે.
રણઝણ રણઝણ તાર છંછેડી પ્રણયનાદે ડોલ્યુ.
અલક મલકની વાટ મેલીને વિરહની વાટે મોહ્યુ
સપનાઓની આડશ લઈને હકીકતોથી ઝઘડે.
મનજી મારું તોય હજી કંઇ કોરું કોરું તરસે!
ચારમાસ ક્યાં રોજે વરસે ઝળુંબાતી વાદલડી?
બારેમાસે છાનીછપની વહેતી રહે આંખલડી.
યાદોના તણખા રોપીને ઊનું ઊનું ફણગે.
મનજી મારું તોયે હજી કંઇ કોરું કોરું તરસે.
મતવાળી ઘનઘોર ઘટાઓ લળી લળીને વરસે.
મનજી મારું તોયે હજી કંઇ કોરું કોરું તરસે.
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.
2
મતવાળી ઘનઘોર ઘટાઓ લળી લળીને વરસે.
મનજી મારું તોયે હજી કંઇ કોરું કોરું તરસે
રણઝણ રણઝણ તાર છોડીને નાદબહ્મમાં ડોલ્યુ.
અલક મલકની વાટ મેલીને અલખની વાટે મોહ્યુ
સંતૂરી સૂર રેલાવી તન એકતારા જેમ હરખે .
મનજી મારું તોયે હજી કંઇ કોરું કોરું તરસે.
વરસોના વહાણા વાયા ને બેઠું એજ ઝરોખે
સાતે દ્વારો વાખી ભીતર અજવાળું સંકોરે.
શિવ શિવની રટણા રટતા ધીમું ધીમું વલખે.
મનજી મારું તોયે હજી કંઇ કોરું કોરું તરસે.
મતવાળી ઘનઘોર ઘટાઓ લળી લળીને વરસે.
મનજી મારું તોયે હજી કંઇ કોરું કોરું તરસે
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.