#gujaratigazal #poetry

સત્યને સ્વીકારવાની વાત છે આ.
કર્મ ખુદના તાગવાની વાત છે આ.

લક્ષ્ય રાખો સાવ સીધું ને સરળતમ,
પાપને પડકારવાની વાત છે આ.

ચાહવું એ પામવું હર કોઇ ઈચ્છે,
હારમાંથી શીખવાની વાત છે આ.

હું અને તું એક બનશે આપણાથી,
કે અહમ ઓગાળવાની વાત છે આ.

એમ ક્યાં આસાન છે સમજાવવું મન
લોભને ધમકાવવાની વાત છે આ.

જાણવું ખુદ જાતને છે આકરું પણ,,
જાતને જંઝોળવાની વાત છે આ.

શક્ય છે તકલીફ પડશે સૌ પ્રથમ પણ,
મૂલ્ય ઊંચા સ્થાપવાની વાત છે આ.

જે મળ્યું, જેવું મળ્યું, તારું જ છે એ,
ભાગ્યને અપનાવવાની વાત છે આ.

-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

#dreams

कुछ सपने तो पनपते ही है
कुछ सपनों की कब्र पर…
लिपटी हुई कई बेलें
यूहीं सूख जाती है, ओझप से
ओर हम उन्हें वार्निश लगाके
सजा रखते हे ड्राइंगरूम में
घर की सुंदरता के
पर्याय में

-“शर्मिष्ठाशब्दकलरव”

#tanhaiya #yaden

बस खाली खाली सा
वक्त ही वक्त है
जो लिखके-पढके भी
कटता नहीं हैं
यूं तो
भरी पडी है
यादों की गुल्लक
पर कितना भी हिलाओ
पहले सी मधुर
अब बजती नहीं है.
ओर रहेता है डर,
कहीं वह तूट जाएं तो..?
-“शर्मिष्ठाशब्दकलरव”

#shraddha #pitrutarpan #poetry

માતા-પિતાની
હયાતીમાં સદાય
પાંગરતું રહ્યું’તું સ્નેહ-વૃક્ષ,
શ્રાદ્ધનો તડકો
તો કદી વેઠ્યો જ નથી.
એમ કહું કે – એમણે એ તડકો
કદી લાગવા જ નથી દીધો.
અંતિમ સમયે પણ
સ્નેહાશિષ
વરસાવતા ગયા છે.
વળી,
સંપૂર્ણ પ્રેમ-શ્રદ્ધા સાથે
કરાયું હતું પિતૃતર્પણ
પછી
અચાનક
આ પિતૃદોષ… !!!
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

#gujaratipoetry #gazals #gujlish

વાતે વાતે જોક કરે છે.
જીવનભર બસ ટૉક કરે છે.

હારે જો તું અડધે રસ્તે
શાને બાજી ફોક કરે છે ?

બનતા હોયે લાખો ગીતો,
મનગમતી ધુન રૉક કરે છે.

માનવ તારી સમજણ અડધી,
ગપ્પાં ઠોકંઠોક કરે છે.

સમજુ નર તો સમજી જાયે,
ઘટતી ઘટના નોક કરે છે.

લેખા જોખા નોખાં એનાં,
તું શેં ટોકાટોક કરે છે ?

ભાગાદોડી છોડ બધી તું,
એની ઈચ્છા વોક કરે છે.

કર્મે, ધર્મે ધન ધન મનખો,
લાખોમાં બસ કો’ક કરે છે.

આવન જાવન રીત સહજ છે,
શાને મન તું શોક કરે છે ?

પરમેશ્વરની લીલા ન્યારી,
કરમ પ્રમાણે લોક કરે છે.
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.

#happyganeshchaturthi #saijiki

સુસ્વાગતમ..સુસ્વાગતમ..

ઉમા-મહેશના
લાડકડા
પુત્ર,
ઓખા-કાર્તિકેયના વીરા.
શ્રી ગણપતિ દેવા…

દુંદાળા સૂંઢાળા
સૌ કોઈના
વ્હાલા,
હે રિદ્ધિ-સિદ્ધિના સ્વામી
શ્રી ગણપતિ દેવા..

પ્રેમથી પધારો
શ્રીઆશિષ
આપો
દુઃખહર્તા-સુખકર્તા
શ્રી ગણપતિદેવા…

સુસ્વાગતમ.. સુસ્વાગતમ..

-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

#gujaratigazal #kavita

એક પ્રિયતમ, એક બારી, પ્રેમ દરિયો!
થઇ ગયું સઘળું જગત લ્યો ફ્રેમ દરિયો!

એ નજર ને એ ઇશારા વાત મીઠી,
ક્ષારમાં પણ સ્નેહ ઘોળે રહેમ દરિયો!

બાગનો ભમરોય જાણે વાત સઘળી,
સ્હેજ ખુશ્બુ સંઘરે ના કેમ દરિયો ?

બે નજરથી વાત સરકી ગામમાં ગઇ,
આગ સાથે ખેલ થઇ’ગ્યો એમ દરિયો!

ઊફ થનગન, ઊફ ધકધક, ઊફ ધગધગ,
પીડ તડપે, આંખ રિમઝિમ, વહેમ દરિયો!

-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

#gujaratipoetry #gazals

આખરી રસ્તે મને ના છળ હવે
તું જ છે આધાર આવી મળ હવે.

છળકપટ ને દાવપેચો ક્યાં સુધી ?
માનવી છે; માણસાઈ કળ હવે.

નસનસે ફૂટ્યા ઝરણ કંઇ સ્નેહના,
ખળભળે લ્યો રણ વચાળે જળ હવે.

સાવ ખોટ્ટી આશમાં બેસી રહ્યું
હે મુરખ મન તું તો બસ ટળવળ હવે.

છે સમય મોંઘી જણસ; વેડફ નહીં.
જાય ઘટતા શ્વાસ આ પળપળ હવે.

લ્યો, તમસ પળવારમાં હારી ગયું !
રોશની હરિ નામની ઝળહળ હવે.

ભક્તિ ભાવે પામશું ઈશ્વર શરણ.
પૂર્ણ છે શ્રદ્ધા નથી અટકળ હવે.

-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

#gujaratigeet #premlakshanageet

માળાના મણકે તું કેમ કરી માપે કે, યાદ તને કેટલું કરું!
શ્વાસો ઉચ્છવાસોના કર તું સરવાળા હું યાદ તને એટલું કરું!

સપનાથી થનગનતી નજરોમાં સિંચ્યો મેં મહેકંતો મીઠો ધબકાર!
વાટ ભલે જોવડાવે, મરજી એ તારી; હું છોડું ના એકે અરમાન!
દિલની આ મૌસમને વાસંતી લહેરાવું; નામ તારું જેટલું જપું..
શ્વાસો ઉચ્છવાસોના કર તું સરવાળા; હું યાદ તને એટલું કરું!

ચાહતની વાત રહે ક્યાં સુધી ખાનગી? જગથી તે શાને છુપાવું ?
લળીલળીને એવી કરી છે પ્રીત મેં તો છડે ચોક ગાતી સંભળાવું.
વહેતી હવાઓમાં સ્પર્શ તારો પામું, હું રુંવે ને રુંવે તને એવું ઝંખું!
શ્વાસો ઉચ્છવાસોના કર તું સરવાળા; હું યાદ તને એટલું કરું!

ખારા આ જળને રે વિરહે તપાવી તેં, વાદળિયો બાંધ્યો છે નેહ.
વરસતા કરવો ના પાલવે વિલંબ મારે ઝરણું થઇ વહેવું છે શેષ.
ભરતી કે ઓટ આણે; ફર્ક નથી પડવાનો, લહેરાતી તુજમાં ભળુ.
શ્વાસો ઉચ્છવાસોના કર તું સરવાળા; હું યાદ તને એટલું કરું!
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.