#gujarati #poetry #gazals

દ્વાર પર ઊભી પ્રતીક્ષા ડગમગે.
આવશે એ ! આશ ભીતર રણઝણે.

ચોતરફ તારો જ તો આભાસ છે.
પ્રેમ આંજ્યાં નૈન દીપક ઝળહળે.

કાંગરા ખર્યા ભલે તો શું થયું ?
રંગમ્હેલે એક ઝરુખો ઝગમગે.

ડૂબવાનુ શું કહું કારણ સખી ?
એક વ્હેણું આ દિલે જ ખળભળે.

છે સમજ, વાકેફ છું સૌ ચાલથી.
પણ દિમાગી વાતને દિલ અવગણે.

છમ્મ લીલી પ્યાસ સરખી જીંદગી,
તૃણ પર ઝાકળ બનીને તગતગે.

શું નિપજશે શાંતિ વાટાઘાટથી ?
સરહદોના લોભથી જે ખદબદે !

એક ઈશ્વરના અલગ થઇ વંશજો,
ધર્મ નામે સ્વાર્થ જ્વાળે ધગધગે.
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.

#gujaratigazal

એકલવીર સાપ્તાહિકમાં મારી એક વરસાદી ગઝલ:

તું મને વરસાદમાં બોલાવ ના.
સ્નેહ ઝરણે એ પછી ભીંજાવ ના

આજ દિલ મદહોશ ને ચકચૂર છે
તું નજરથી વીજળી ચમકાવ ના.

હું હરખથી દોડતાં ભેટી પડું,
એમ હેલી થઇ મને લલચાવ ના.

તરબતર થાઉં મધુરા પાશમાં,
ત્યાં જ તું ઘેલો કહી શરમાવ ના.

મેઘ વરસે ભાવનાં સુર-તાલમાં,
લય સરીખું જા ભળી તરડાવ ના.

જળ વરસતાં વાદળે તરસ્યો મરું ?
તું હ્રદયથી શુષ્ક થઇ તડપાવ ના.

કૈંક શમણાં છે અષાઢી રાતનાં,
નૈન અનરાધાર થ્યા’ તરસાવ ના.

-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.

#sabdkalrav #rainsongs #gujaratisong

વરસાદી ગીત:
ભૂલ બીજી લપ બધી તું બસ પલળ,
કે આજ તો વરસાદ છે.

યાદ રાખીને ભૂલ્યા ‘તા ત્યાં જ લ્યો!
વાંછટ અડી ને થઈ ઊઠી છે ગાજવીજ.
ફટ..દઈ મનડું ભીંજાણું સ્નેહથી ને
સળવળી ઊઠ્યા છે જુના યાદબીજ.

કર ટકોરા અંકુરેલા દિલ ઉપર,
કે આજ તો વરસાદ છે….ભૂલ..

વસવસા ને હાયની એ લ્હાયમાં કંઈ
એમ ને એમ જિંદગી વેડફાય ના.
બદલાવ પણ છે શ્રેયકર નહીં તો આમ
મૌસમો બદલાય ના.

ઉતાર ચશ્મા ભારના, થા તરબતર
કે આજ તો વરસાદ છે…ભૂલ..
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

#sabdkalrav #poetry #gujarati #feelings

કોઈ તો બતાવો..
કેવી રીતે ત્યજવી લાગણીઓ?
હું સતત પહેરો ભરતી રહું છું,
દિલને ઉંબરીયે..
હમણાં જ તો હું હતી મારામાં
ને અચાનક ગઈ છું ક્યાં?
રખડું છું શોધતી હું ખુદને,
લાગણીઓના તાણાવાણામાં..
કોઈ તો બતાવો..
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

#sabdkalrav #lifeisagame #gujarati #poetry

જાતમહોરા પહેરતા ના આવડ્યું.
ને રમત રમવા નીકળ્યા જગની.
ના ઉતારી શકાયો દાવ પૂર્વ નો
તો.. ‘શર્મિ’, જીતની તને ઝંખના શાને ? -“શર્મિષ્ઠાશબ્દકલરવ”.

મિત્રો આસ્વાદનો પ્રયત્ન કર્યો છે મારી રીતે:
આ જગતને સતરંજી રમતનુ મેદાન કહ્યું છે.
જ્યાં દરેક કિરદારના અલગ અલગ મહોરા હોય છો. એટલે કે મતલબ પ્રમાણે મહોરા પહેરી એના જેવી ચાલ ચાલતા આવડે તો કદાચ જીતી શકાય. જોકે એમાં પણ કઠપૂતળીની જેમ દોરી સંચાર તો શ્રી હરિના હાથમાં જ છે.
આપણને મહોરા પહેરતા ન આવડ્યું.. બસ સાલસતાથી જેવા છીએ એવા જ બનીને જીવવા ગયા, વળી હજી તો આગલા જન્મોના કર્મોનો હિસાબ પણ નથી ચૂકવી શક્યા.. હવે તમે જ કહો આપણે જે જીતવાની આશા રાખીએ છીએ એ વાજબી કહેવાય..
-શર્મિષ્ઠાશબ્દકલરવ

#gujaratipoetry #gazals #happyfather’sday

પ્રિય પપ્પાને… આપ તો છો ગત જનમના પૂણ્યનું વરદાન પપ્પા.
દીકરીનાં હોંશલાનું ગૌરવી યશગાન પપ્પા.

લઇ ખુમારી જગમગું જે તેજથી એ શાન પપ્પા.
સ્નેહનું સન્માન છો, છો આપ જીગરીજાન પપ્પા.
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.