મનુષ્યતા એટલે અરમાનોનુ ઘોડાપૂર ઉમટવુ!
એટલે જ કદાચ.
આ મનના ઉમંગો આંખોમાં આવીને
સપના બની સજતા હશે.
ને બન્નેવ બાહુ મંડી પડે એના લાલન-પાલનમાં
સાથે ઈશ્વરીય બંદગી, યાચના, પણ ખરી…
ક્યારેક સફળતા મળી તો, પોરસાતા ગયા
ને લાલચી ઝાંઝવાના સમંદર લહેરાતા ગયા,
ચાહની રાહ વિસ્તરતી ગઈ.
ફરકતા સ્મિતના વધામણાંનો કાફલો
વધતો ગયો,
દોસ્ત, હમસફર, મિત્ર, શત્રુ, અંજાન, આત્મિય, બધાં જ એમાં ભળતા ગયા.
શ્વાસોની પગદંડી આગળ વધતી ગઈ.
ક્યારેક સંબંધના બગીચાઓ તો
ક્યારેક કાંટાળા જંગલો…
જીવનની વરવી વાસ્તવિકતા
કેટલાય સપનાની લાશોને
ખેરવતી ગઈ, અશ્રુરૂપે!
ક્ષણભર થંભી, એ બધી લાશોને
પોતાના જ ખભે લાદી
ધીરેધીરે મક્કમ ડગલે આગળ વધતા ગયા.
શ્વાસ ચાલે ત્યાં સુધીની સફરને તય કરવા…
તોય ઈશ્વર, આ જીવવાની ખુમારી તો
ક્ષિતિજ પાર આંબતી જ ગઈ
હારી, થાકી કેટલીયે વાર
બેવડ વળી ગયા તોય
અવિરત પ્રયાણ ખેડતા જ રહ્યા.
ઉજાસ ક્યાં કદી એકસમાન રહે છે સમયનો.
પણ શ્વાસોની પગથારે,
આશાઓના જોડા પહેરી,
આંખોમાં પોતાનો સૂરજ ઊગાડી,
જાણ્યા અજાણ્યા કરમના
દાવપેચથી લડતા-ઝગડતા,
બસ ચાલતા રહ્યા..
ચાલતા રહ્યા..
તને ઈશ્વર માની પૂજતા રહ્યા.
હે ઈશ્વર ! તને પણ કદાચ
ઈશ્વર હોવાનો નશો હશે ને ?
અમને માણસ હોવાનો હોય એમ જ…!
તેથીજ તો હે ઈશ્વર!
તને તારુ ઈશ્વર હોવું મુબારક!
ને, અમને અમારું નશ્વર હોવું મુબારક!
-“શર્મિષ્ઠાશબ્દકલરવ”.