પાણીનાં પરપોટા પર શમણાં તરવા દેશો નહિ.
ઈર્ષાના આકાશ ઉપર, અરમાં ઉડવા દેશો નહિ.
ભમરાને તો આદત એવી બાગબગીચે ઘૂમે,
ભ્રમ છે એ પ્રેમ સરીખો, મનને ભમવા દેશો નહિ.
ઓળખનો શણગાર સજીને મતવાલુ મન નાચે,
અલબેલાની સંગે રાચી ખુદને છળવા દેશો નહિ.
બંધન તો બસ બંધન હોયે, નિયમ સહજ છે એનાં,
રાજી જો મનથી ના હો, આતમ હણવા દેશો નહિ.
કામણગારી કાયા જાણી સાજ સજે છે માનવ,
લાલચ લાવી મનમાં, માનવતા હરવા દેશો નહિ.
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.
